Surat news : RBI નેશનલ આર્ટ સ્પર્ધામાં VNSGUની મોનિકા અકોલિયાનું ચિત્ર છવાયું.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની 90મી વર્ષગાંઠ નિમિત્તે નવી દિલ્હી ખાતે આયોજિત નેશનલ આર્ટ સ્પર્ધામાં સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના ફાઇન આર્ટસ વિભાગની વિદ્યાર્થિની મોનિકા અકોલિયાનું ચિત્ર પ્રદર્શિત કરાયું. મોનિકાને આ યોગદાન માટે આરબીઆઈ તરફથી વિશેષ પ્રમાણપત્ર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવી હતી.
મોનિકાએ જણાવ્યું કે, સ્પર્ધા માટે એક દિવસ પહેલાં જાણ થતા તેણે માત્ર એક જ દિવસમાં સળંગ 6 કલાક મહેનત કરીને ચિત્ર તૈયાર કર્યું હતું અને સમયસર તેની ઓનલાઈન દાવેદારી નોંધાવી હતી. મોનિકાએ આરબીઆઈના વિષય પર ઊંડી તપાસ કરી અને ચિત્રમાં અનોખી રીતે તેની રૂપરેખા આપી, જેને આરબીઆઈ-દિલ્હી દ્વારા વિશેષ માન્યતા મળી.
મોનિકાએ સ્પર્ધા માટે ખાસ કરીને આરબીઆઈના સંસ્થાકીય મૂલ્યો અને તેના મહત્ત્વને ઉજાગર કરતી દૃશ્ય કળા ઉતારી હતી, જેમાં ભારતના આર્થિક વિકાસમાં આરબીઆઈની ભૂમિકા અને દેશની મોનેટરી પોલિસી સાથે તેનો સંબંધ દર્શાવવામાં આવ્યો. ચિત્રમાં વ્યાવસાયિક કળાનું નિર્દેશન, દેશની વિવિધ સંસ્કૃતિઓ અને આર્થિક પરિવર્તનોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા, જે સ્પર્ધા મંડળ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.
આ સફળતા વિશે મોનિકાએ વધુમાં જણાવ્યું કે, ફાઇન આર્ટસમાં તેમની અભિરુચિ તેમને નવીન આયામો શોધવા પ્રેરિત કરે છે અને આ સન્માનથી તેમની આ કળાને આગળ વધારવાની પ્રેરણા મળી છે. VNSGUના ફાઇન આર્ટસ વિભાગે મોનિકાની આ સિદ્ધિ પર ગૌરવ વ્યક્ત કરતાં અન્ય વિદ્યાર્થીઓને પણ આકર્ષક સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યું.
આવી સ્પર્ધાઓ અભ્યાસકાળમાં કલા વિદ્યાર્થીની પ્રતિભાને ચમકાવવાનું મંચ પૂરું પાડે છે, જે આગામી દિવસોમાં તેમના કારકિર્દીને વધુ પ્રગતિશીલ બનાવી શકે છે.