દિપોત્સવ પર્વમાં ખતરાપૂજનની અનોખી પરંપરા: આદિવાસીઓની આસ્થા.
આદિવાસી સમાજમાં આદિકાળથી ચાલતી ખતરાપૂજન પરંપરા દિવાળીના પર્વમાં એક અગત્યનો ભાગ માની છે. સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારના લોકો, જેમ કે ચૌધરી, ઢોડિયા પટેલ, હળપતિ, ગામીત, વસાવા, નાયકા પટેલ, અને વારલી, તેમના પૂર્વજો અને ઈષ્ટદેવોની કૃપા માટે વિશેષ પૂજા-અર્ચના કરે છે.
દિવાળીના પર્વે, ખાસ કરીને ધનતેરસ, કાળીચૌદશ, અને નૂતન વર્ષના દિવસે, આ સમુદાયો "ખતરા" નામની વિશિષ્ટ પૂજા કરે છે. આ પૂજામાં પેઢી દરે વંશજોનાં અવસાન પામેલા વડીલોને સ્મરણરૂપે તેમની યાદમાં એક લાકડાની પ્રતિમા સ્થાપિત થાય છે. આ ખતરાની જગ્યા પર ધજાઓ, શ્રી ફળ, કંકુ, ચોખા, અને કેટલાક પરિવારો મરઘાની બલિ પણ ચઢાવે છે.
આ પૂજનના પર્વમાં તેઓના ખેતરના નવા પાકનો પહેલો ઉતાર ખતરાના સ્થાને ચઢાવી દેવાય છે, જે તેમનો પૂર્વજોના સન્માનમાં અર્પણ છે. આ રીતે, આદિવાસી સમાજ આજે પણ પોતાની જૂની પરંપરાને જાળવી, પેઢીથી પેઢી આગળ વધારતા રહે છે.