આહવા ખાતે યોજાયો “ગરીબ કલ્યાણ મેળો”

0

     આહવા ખાતે યોજાયો “ગરીબ કલ્યાણ મેળો”

મેળાના દિવસે ૧ હજાર ૪૩૪ લાભાર્થીઓને રૂ. ૪ કરોડ ૨૬ લાખના વિવિધ લાભો એનાયત કરતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ :

જિલ્લાના પ્રજાજનોને 'સ્વચ્છતા હી સેવા' સાથે 'એક પેડ, માં કે નામ'ના કાર્યક્રમમા ભાગીદારી નોંધાવવાની હાંકલ કરતા શ્રી વિજયભાઈ પટેલ.

(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા.૨૭ : ગરીબોના બેલી એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે, જનકલ્યાણના સેવાયજ્ઞ માટે સમર્પિત, સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત આયોજિત, “ગરીબ કલ્યાણ મેળો” આહવા ખાતે યોજાઈ ગયો.

સરકારના જુદા જુદા ૨૫થી વધુ વિભાગોની વ્યક્તિલક્ષી યોજનાઓના ૧ હજાર ૪૩૯થી વધુ લાભાર્થીઓને, આ ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કુલ રૂ. ૪ કરોડ, ૨૭ લાખ, ૪૧ હજાર, ૧૨૦થી વધુની રકમના વિવિધ લાભો એનાયત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને મળેલા વિવિધ સાધન/સહાયનો સદ્ઉપયોગ કરી, પગભર થવાની હાંકલ કરી હતી.

ડાંગ સ્વરાજ આશ્રમ, આહવા ખાતે આયોજિત આ 'ગરીબ કલ્યાણ મેળા'મા સરકારના જુદા જુદા ૧૨ વિભાગોની ૩૦થી વધુ યોજનાઓના લાભાર્થીઓને મેળા દરમિયાન, મેળા અગાઉ અને મેળા બાદ પણ લાભાન્વિત કરવાની સરકારશ્રીની વિભાવના સ્પષ્ટ કરતા શ્રી વિજયભાઈ પટેલે, વ્યક્તિગત યોજનાઓના જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિવિધ સાધન/સહાય એનાયત કરવા સાથે, મેળા અગાઉ અને મેળા બાદ પણ, પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી કરવાની કામગીરી અવિરતપણે ચાલી રહી છે. ત્યારે, આજના આ 'ગરીબ કલ્યાણ મેળા' દરમિયાન મુખ્ય સ્ટેજ અને પેટા સ્ટેજ ઉપરથી એનાયત કરાયેલા વિવિધ લાભો ઉપરાંત, આ મેળા અગાઉ ૭ હજાર ૫૦૪ લાભાર્થીઓને કુલ રૂ. ૮ કરોડ, ૫૮ લાખ, ૬૨ હજાર ૪૯૯નો લાભ એનાયત કરવામા આવી ચૂક્યા છે. જ્યારે  મેળા બાદ પણ આજની તારીખ સુધી કુલ નોંધાયેલા ૮૫૦ લાભાર્થીઓને અંદાજિત રૂપિયા ૨ કરોડ, ૬૫ લાખ, ૬૫ હજાર, ૬૯૬ના વિવિધ લાભોનુ વિતરણ કરવાનુ આયોજન ઘડી કાઢવામા આવ્યુ છે. સાથે સાથે પાત્રતા ધરાવતા અન્ય લાભાર્થીઓની નોંધણી પણ કરવામા આવી રહી છે, તેમ તેમના અધ્યક્ષીય વક્તવ્યમા જણાવ્યુ હતુ.

ડાંગ જિલ્લામા ચાલુ વર્ષ ૨૦૨૪/૨૫ દરમિયાન કુલ ૯ હજાર ૭૮૮ લાભર્થીઓને, કુલ રૂપિયા ૧૫ કરોડ, ૫૧, લાખ ૩૭૫ ના લાભો પૂરા પાડી તેમનુ જીવન ધોરણ ઉપર લાવવાનો સ્તુત્ય પ્રયાસ, રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામા આવ્યો છે તેમ જણાવી નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, રાજ્ય સરકારના પાછલા ત્રણ વર્ષોના સાતત્યપૂર્ણ વિકાસની ગાથા પણ વર્ણવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમા તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. તા.૧૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ, તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમા મુખ્યમંત્રીશ્રીએ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી, ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે, તેમ જણાવતા નાયબ મુખ્ય દંડકશ્રીએ, મુખ્યમંત્રીશ્રીના મક્કમ નેતૃત્વ હેઠળ  ગુજરાતમા G20 ની શ્રેણીબધ્ધ મિટિંગો, તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના દસમું સંસ્કરણ જેવા વૈશ્વિક કાર્યક્રમો સકળતાપૂર્વક સંપન્ન કર્યા છે, તેમ કહ્યુ હતુ.

વડાપ્રધાનશ્રીએ 'વિકસિત ભારત@૨૦૪૭’ નુ જે વિઝન આપ્યુ છે તેને, 'વિકસિત ગુજરાતથી, વિકસિત ભારત' ની નેમ સાથે સાકાર કરવા માટે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે, તેમ ઉમેરતા શ્રી પટેલે મુખ્યમંત્રીશ્રીના આ ૩ વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર કરાયેલી મહત્વપૂર્ણ યોજનાઓ, પહેલ, નીતિઓ, અને ગુજરાતની સિદ્ધિઓ અંગેની વિગતો રજૂ કરી હતી. નવી પોલિસીઓ ઉપરાંત રાજ્યના સુશાસનની સિદ્ધિઓનો ઉલ્લેખ કરી, ગુજરાતની જનતા માટે ગરવુ ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત, એમ 5Gનો સમાવેશ કરતુ, સર્વગ્રાહી દિશાદર્શન કરનારું ₹ ૩.૩૨ લાખ કરોડનુ બજેટ રાજ્ય સરકારે રજુ કરી, પ્રજા કલ્યાણની ભાવના વ્યક્ત કરી છે, તેમ ઉમેર્યુ હતુ.

શ્રી વિજયભાઈ પટેલે ઉપસ્થિત સૌ લાભાર્થીઓ, મહાનુભાવો સહિત જિલ્લાના પ્રજાજનોને સ્વચ્છતાના સંસ્કાર કેળવવા સાથે 'એક પેડ, માં કે નામ' ના કાર્યક્રમમા ભાગીદારી નોંધાવી, સૌનો સાથ-સૌનો વિકાસની મુહિમમા જોડાવાની હાંકલ કરી હતી. ડાંગમા હાથ ધરાનારા આગામી વિકાસ પ્રકલ્પોનો પણ આ વેળા શ્રી વિજયભાઈ પટેલે ખ્યાલ આપ્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે શરૂ થયેલા 'ગરીબ કલ્યાણ મેળા'ના લાભાર્થીઓને યોજનાકીય લાભો સીધા પહોંચાડીને, સરકારે વચેટિયા પ્રથાને નેસ્તનાબુદ કરી છે તેમ, ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી નિર્મળાબેન ગાઈને તેમના પ્રાસંગિક વક્તવ્યમા જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના અગાઉના 'ગરીબ કલ્યાણ મેળા'ઓની વાત કરીએ તો ડાંગ જિલ્લામા સને ૨૦૧૬/૧૭મા યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામા કુલ ૭ હજાર ૩૩૨ લાભાર્થીઓને રૂપિયા ૨૮ કરોડ ૪૩ લાખના લાભો એનાયત કરાયા હતા. જ્યારે સને ૨૦૧૭/૧૮મા ૧૫ હજાર ૧૮૫ લાભાર્થીઓને રૂપિયા ૪૩ કરોડ ૨૧ લાખના લાભો, સને ૨૦૧૮/૧૯મા ૬ હજાર ૧૯૬ લાભાર્થીઓને રૂપિયા ૩૪ કરોડ ૯૨ લાખના લાભો, સને ૨૦૨૧/૨૨મા ૮ હજાર ૧૩૬ લાભાર્થીઓને રૂપિયા ૧૪ કરોડ ૫૧ લાખના લાભો, અને સને ૨૦૨૨/૨૩ના વર્ષના ગરીબ કલ્યાણ મેળામા ૧૨ હજાર ૨૩૨ લાભાર્થીઓને રૂપિયા ૨૬ કરોડ ૪૩ લાખના લાભો એનાયત કરવામા આવ્યા હતા.

ડાંગના કાર્યક્રમની શરૂઆતે શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. મહાનુભાવો તથા લાભાર્થીઓનુ શાબ્દિક સ્વાગત પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયાએ કર્યું હતુ. જ્યારે આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલે આટોપી હતી. ઉદઘોષક તરીકે શ્રી વિજયભાઈ ખાંભુ તથા સંજય ચવધરીએ સેવા આપી હતી. ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે આયોજિત આ 'ગરીબ કલ્યાણ મેળા' દરમિયાન, ડીસા ખાતે આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળવા સાથે, ડાંગના લાભાર્થીઓ અને મહાનુભાવોએ 'સ્વચ્છતા હી સેવા', અને 'ગરીબ કલ્યાણ મેળો' વિષયક દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓએ, મુખ્ય સ્ટેજ ઉપરથી તેમના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. ઉપસ્થિત સૌએ સામુહિક રીતે 'સ્વચ્છતા શપથ' પણ ગ્રહણ કર્યા હતા. મુખ્ય સ્ટેજ ઉપરાંત સોળ જેટલા પેટા સ્ટેજ ઉપરથી પણ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને જુદા જુદા લાભોનુ વિતરણ કરાયુ હતુ. કાર્યક્રમ સ્થળે ડાંગ પોલીસે તેમની કામગીરીનું નિદર્શન રજૂ કર્યું હતું. તો આરોગ્ય વિભાગે તબીબી કેમ્પ પણ અહીં યોજ્યો હતો. મહાનુભાવોએ પેટા સ્ટેજની પણ મુલાકાત લીધી હતી.

ડાંગના આ કાર્યક્રમમા આહવા, અને વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ સર્વશ્રી સુરેશભાઈ ચૌધરી અને ચંદરભાઈ ગાવિત, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષા શ્રીમતી નિલમ ચૌધરી, મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સારૂબેન વળવી, ભાજપા અધ્યક્ષ શ્રી કિશોરભાઈ ગાવિત, મહામંત્રી શ્રી હરિરામ સાંવત, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાસ ગાઇન, સહિતના પદાધિકારીઓ, કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, નાયબ વન સંરક્ષક સર્વશ્રી રવિ પ્રસાદ અને દિનેશ રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી શિવાજી તબિયાર, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિતનના ઉચ્ચ, વરિષ્ઠ અધિકારીઓ, લાભાર્થીઓ, અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top