Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ
*તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬ હજારથી વધુ કુટુંબોના ૨૭,૩૯૭ લોકોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું મહા અભિયાન એટલે PM-JANMAN :-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વીએન.શાહ* - *PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થને પત્રકાર પરિષદ યોજાઇ*(માહિતી બ્યુરો તાપી) તા.૨૩- ભારત સરકારશ્રી દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS) એ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને ૧૧ જેટલી સુવિધાઓ પૈકી દરેક કુંટુબને પાકુ ઘર,રસ્તા, આરોગ્ય કેન્દ્ર, છાત્રાલયો, વીજ જોડાણ,પાણીનું નળ કનેકશન, આંગણવાડી કેન્દ્ર બનાવવુ,વન ધન વિકાસ કેન્દ્ર, મલ્ટી પર્પસ સેન્ટર, સોલાર સ્ટ્રીટ લાઈટ, મોબાઈલ ટાવર બનાવવા,સ્કિલ તાલીમ કેન્દ્રો બનાવવા જેવો સમાવેશ થાય છે.તાપી જિલ્લાના ૭ તાલુકાઓમાં કુલ ૧૭૫ જેટલા ગામોમાં આદિમજૂથ (કોટવાળીયા અને કાથુડ) વસ્તી ધરાવે છે. કુલ ૬૧૨૨ ઘરોમાં કુલ ૨૭,૩૯૭ લોકો વસવાટ કરે છે. PM-JANMAN કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં કુલ ૫૩૪ આવાસ મંજૂર કરવામાં આવેલ છે.જે પૈકી ૧૪૩ આવાસ પૂર્ણ થયેલ છે. કુલ ૬ આંગણવાડીઓ મંજૂર કરવામાં આવેલ છે. ૨૨ જેટલા MP મંજૂર કરાયા છે. કુલ ૨૨૧૫ ઘરોને વીજ કનેકશન આપવામાં આવ્યા છે. કુલ ૩૧૯૦ ઘરોને પીવાના પાણી માટે નળ કનેકશન આપવામાં આવ્યા છે.કુલ ૩૪૨૮ લાભાર્થીઓને આધારકાર્ડ તથા ૪,૪૨૬ લાભાર્થીઓને રેશન કાર્ડ તેમજ ૪૪૩ લાભાર્થીઓને જાતિના પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. કુલ ૨૧,૨૯૮ લાભાર્થીઓને આયુષમાન કાર્ડ આપવામાં આવેલ છે. કુલ ૧૨૨૧ નવા જનધન બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે.૭૩ જેટલા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવેલ છે. કુલ ૬૪૯૮ લાભાર્થીઓના PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે.પ્રાયોજના વહીવટદારશ્રી રામનિવાસ બુગાલિયા(IAS) એ જણાવ્યું હતું કે ગત વર્ષથી આ યોજના અમલમાં છે. આદિમજૂથના લોકોના ઉત્થાન માટે આજે બીજા તબક્કામાં સરકારશ્રીની યોજનાનો સો ટકા લાભ જરૂરિયાતમંદોને મળી રહે તે માટે આપણે સૌએ સાથે રહીને તમામ લાભાર્થીઓ લાભ મેળવે તે માટેના પ્રયાસો કરવાના છે. વધુમાં જણાવ્યું હતુ કે તાપી જિલ્લામાં મામલતદારશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓએ અભિયાનને સફળ બનાવવા કેમ્પોનું આયોજન કર્યું છે.આઈ.ઈ.સી.પ્રવૃત્તિના માધ્યમથી પણ જનમન અભિયાનને લોકો સુધી પહોંચાડવાનો જિલ્લા તંત્રનો પ્રયાસ રહેશે.