ChhotaUdepur: લૂપ્ત થતા મોતીકલાના આભૂષણોને જીવંત રાખવાનો પ્રયાસ કરતા છોટાઉદેપુરના સોનલબહેન રાઠવા

0

   નારી વંદના ઉત્સવ 2024

ChhotaUdepur: લૂપ્ત થતા મોતીકલાના આભૂષણોને જીવંત રાખવાનો પ્રયાસ કરતા છોટાઉદેપુરના સોનલબહેન રાઠવા

સોનલબહેન દ્વારા બનાવવામાં આવેલા મોતીકલાના આભૂષણો જી-૨૦માં મુકવામાં આવ્યા હતા

છોટાઉદેપુર, શનિવાર :: આદિવાસી વિસ્તારમાં ચાંદીના ઘરેણા પહેરવાનું ચલણ છે, પણ જ્યારે આદિવાસી પાસે ચાંદી નહોતું ત્યારે તેઓ ભાતભાતના મોતીના આભૂષણ પહેરતા હતા. સમયના પરિવર્તન સાથે આર્થિક સમૃદ્ધિ આવતા મોતીના આભૂષણનું સ્થાન ચાંદીના ઘરેણાએ લઇ લીધુ છે. મોતીકામની આ કલા હવે આદિવાસી વિસ્તારમાં લૂપ્ત થવાના આરે છે. તેને ફરી જીવંત કરવાનું કામ શ્રીમતી સોનલબહેન રાઠવા કરી રહ્યા છે. 

સોનલબહેન મૂળ તો છોટાઉદેપુરના છે, પરંતુ પિતા રેલ્વેમાં નોકરી કરતા હોવાથી તેઓ ૧૫ વર્ષના હતા ત્યાં  સુધી સૌરાષ્ટ્રમાં રહ્યા બાદ તેઓએ અમદાવાદમાં રહીને સાયકોલોજીના મુખ્ય વિષય સાથે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમના લગ્ન છોટાઉદેપુરમાં થતા તેઓ અહીં સ્થાયી થયા. નવરાસની પળોમાં તેઓ તેજગઢ ભાષાભવનમાં જવાનું પસંદ કરતા હતા. ભાષાભવનમાં આવતા રીસર્ચરો સાથે કામ કરતા તેમને ખ્યાલ આવ્યો કે, આદિવાસીઓની પરંપરાગત મોતીકલા લૂપ્ત થઇ રહી છે. આ કલાને ફરી જીવંત કરવાનું બીડું તેમણે ઝડપ્યું. નાનપણમાં પોતાની સખીઓ સાથે મોતીકામ શીખેલા એટલે મોતીકલાથી તેઓ અજાણ નહોતા.

સોનલબહેન સાથેની મુલાકાતમાં ચર્ચા કરતા તેમણે કહ્યું કે, મોતી કામમાં સૌરાષ્ટ મોખરે છે. સૌરાષ્ટમાં લગ્નપ્રસંગે મોતી કામની અનેક નવી ડિઝાઇન સાથેના ચાકડા, ટોડલા, કળશ, તોરણ, બાજોઠ, ઝુમ્મર વગેરે કન્યાને આપવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ઘર સુશોભન માટે મોતી કામ કરવામાં આવે છે. તેનાથી કઇક અલગ છે અદિવાસી વિસ્તારની મોતીકલા. અહીં મોતીના આભૂષણ બનાવવામાં આવે છે. સ્ત્રીઓ લગ્નપ્રસંગે અને રોજીંદા જીવનમાં મોતીના આભૂષણ પહેરે છે. વર્તમાન સમયમાં આગળીના ટેરવે ગણી શકાય એટલી મહિલાઓ મોતીકલાની કામગીરી કરે છે.

તેજગઢ ભાષા કેન્દ્રમાં સામાજીક કાર્ય કરતા સોનલબહેન અનેક કલાકારોને મળતા હતા. સામાજીક પ્રવૃત્તિ દરમિયાન તેમનું ધ્યાને આવ્યું કે, પરંપરાગત મોતીકલા આદિવાસી વિસ્તારમાં લૂપ્ત થઇ રહી છે. આદિવાસી મહિલાઓના જૂના ફોટા-ચિત્રો જોતા મોતીકલાને જીવંત કરવાનું તેમણે વિચાર્યુ. તેમના આ ઉત્તમ વિચારને સરકારી સંસ્થા Entrepreneurship Development Institute Of India (EDII)એ વેગ આપ્યો અને  ભાષાભવન ખાતે ૪ દિવસની મોતીકલાની તાલીમ ગોઠવી. આ ૪ દિવસની તાલીમમાં ૩૦ બહેનોથી અમુક બહેનોને એટલો રસ પડ્યો કે તેમણે સોનલબહેનને કહ્યું, બહેન અમને ચાર દિવસ ઓછા પડ્યા અમારે મોતીકલા શીખવી છે. આ તો ભાવતું હતું અને વૈધે કીધા જેવું થયું. સોનલબહેન કહે હું કહી નહોતી શકતી કે ૪ દિવસની તાલીમનો સમયગાળો નાનો છે પણ શિખવા આવનારી બહેનોએ સામેથી કહ્યું એટલે સોનલબહેને તરત જ બહેનોને તેમના ઘરે આવી મોતીકલા શીખવા કહ્યું. બસ ત્યારથી સોનલબહેનના ઘરે બહેનો મોતીકલા શીખવા માટે જાય છે. 

સોનલબહેને વધુને જણાવ્યું કે, અમારી માટે જૂની ડિઝાઇન ફરી જીવંત કરવી એ પડકાર હતો. જે બહેનો પાસે જૂની મોતીકલાની માળા હતી તે તૂટી ગઇ હતી. તો કેટલાક પાસે જે માળા હતી તેની ડિઝાઈન અઘરી હતી. હવે આ અઘરી ડિઝાઈનને ગ્રાફ પર દોરીને માળામાં ડિઝાઇન નાખવાનું શરૂ કર્યું. આ પરંપરાગત માળા બનાવતી વખતે ડિઝાઇન સાથે સાથે કલરનું પણ ધ્યાન રાખવું જરૂરી હતું. કારણ કે, પરંપરાગત મોતીકલામાં સફેદ,લાલ,લીલો અને બ્લ્યુ કલરનો ઉપયોગ થાય છે.   

બહેનોને ગુર્જરી હસ્તકલા દ્વારા મોતીકલાની બીજી તાલીમ આપ્યા બાદ બહેનોએ પ્રોડકશન કરવાનું શરૂ કર્યું. પ્રોડકશન તૈયાર થયા બાદ મારા માટે માર્કેટમાં વેચાણ કઇ રીતે કરવુ તે મોટા પ્રશ્ન હતો. અમદાવાદ ગુર્જરી હસ્તકલામાં હાર, હાસડી, બીલખા ડિઝાઇન માળા, પાટ, કમરબંધ, બ્રેસલેટ જેવા મોતીકલાના આભૂષણોના નમૂના બતાવવા ગઇ. તેમને આ નમૂના એટલા ગમ્યા કે તેમણે બધા નમૂના રાખી લીધા અને બીજા મોતીના આભૂષણો બનાવવાનો આર્ડર આપ્યો. આ આર્ડર મળ્યા બાદ બહેનોના ઉત્સાહમાં વધારો થયો. હાલ અમારી બહેનો દ્વારા બનાવેલા મોતીકલાના આભૂષણો જી-૨૦માં મુકવામાં આવ્યા હતા. જેમાં અમને ઘણા સારો પ્રતિસાદ મળ્યો છે. હસ્તકલાના એક્ઝીબિશનમાં અમે સ્ટોલ કરીએ છીએ. લૂપ્ત થતી અમારી મોતીકલાને બહેનોના અથાગ પ્રયત્નથી ફરી જીવંત કરી સમાજમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.

એકવાર માર્કેટમાં મોતીકલાને લાવ્યા બાદ માર્કેટમાં રહેવુ પણ અગત્યું છે. માર્કેટમાં નવું શું આપવું સતત વિચાર ચાલતો હતો, ત્યારે જંગલ,ખેતર વાડામાં ફરતા મારૂ ધ્યાન ત્યાં પડેલા બિજ પર ગયું. બિજના સુંદર આકારને મોતીકલામાં ઉપયોગ લેવાનું વિચાર્યું. પ્રથમ તો જંગલ, ખેતર, વાડામાંથી મળતા લાલ-સફેદ ચણોઠી, રેડચંદન, કાચકાના બિજ એકત્ર કર્યા ત્યાર બાદ લોકલ માર્કેટમાંથી વેચાતા બિજ લીધા. આ બિજને કાણા કરી તેને પોલિશ કરવામાં આવે છે, જેથી તેમાં સડો કે કિડા ન પડે. સુંદર પોલિશ થયેલા બિજને મોતી સાથે મિક્ષ કરી માળા બનાવવામાં આવે છે. પરંપરાગત ડિઝાઇનમાં જ નવું કરવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. આદિવાસી મોતીકલામાં સતત ધ્યાન રાખવું પડે છે. માર્કેટની માળા કરતા આદિવાસી માળાઓ અલગ હોય છે. આજે આદિવાસી વિસ્તારમાં નિરક્ષર બહેનો પણ મોતીકલા શીખી પગભર બની છે.

આદિવાસી લૂપ્ત મોતીકલાને જીવંત કરી બહેનોને પગભર કરવાનું સોનલબહેનનું સ્વપ્ન આજે સાચા અર્થમાં સાર્થક થઇ રહ્યું છે.  

કુ. માર્ગી રાજપુત

સહાયક માહિતી નિયામક છોટાઉદેપુર

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top