નારી વંદન ઉત્સવ: 'મહિલા કર્મયોગી દિવસ' વિશેષ લેખ

0

  નારી વંદન ઉત્સવ:  'મહિલા કર્મયોગી દિવસ' વિશેષ લેખ

૨૮ વર્ષથી  ગાંધીનગર જિલ્લાની દીકરીઓને કરાટે-જુડો થકી સફળ તાલીમ આપી આત્મરક્ષણ માટે સક્ષમ બનાવનાર મહિલા કર્મયોગી એટલે કિલ્લોલ સાપરિયા


”વ્યક્તિની સફળતા અન્ય માટે પ્રેરણારૂપ બનવી જોઈએ”- કિલ્લોલ સાપરિયા



ગાંધીનગર,સોમવાર
એક સપ્તાહ ચાલનાર નારી વંદન ઉત્સવ દરમિયાન 'મહિલા કર્મયોગી દિવસ'ની ઉજવણી એટલે એવી મહિલાઓને સમર્પિત દિવસ જે જુદા જુદા વ્યવસાયો સાથે જોડાઈ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવા સાથે કર્મયોગી બની છે. આ દિવસ સામાન્ય રીતે મહિલા કર્મચારીઓના યોગદાન અને સિદ્ધિઓની ઉજવણી કરવાનો કે મહિલા કર્મીઓની મહેનત, સમર્પણ અને વિવિધ વ્યવસાયોમાં તેઓએ જે પડકારોને પાર કરી સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ તેમને બિરદાવવાનો દિવસ છે. 
આ કર્મયોગી મહિલા દિવસે ગાંધીનગર જિલ્લાની એક એવી મહિલાની વાત કરવી છે જેમણે ૧૯૯૬ થી માંડી ૨૦૧૭ સુધીમાં દોઢ લાખથી વધુ દીકરીઓને જુડો કરાટેની તાલીમ આપી.અને ગાંધીનગરમાં ‘કિલ્લોલ દીદી’ના હુલામણા નામથી જાણીતા બન્યા છે તેવા કિલ્લોલ એસ. સાપરિયાની. 


વર્તમાન સમયમાં મહિલાઓને જ્યારે સ્વ બચાવની તાતી જરૂરિયાત છે ત્યારે પાછલા ૨૮ વર્ષથી  કિલ્લોલ સાપરિયાએ આત્મરક્ષણ માટે કરાટે થકી ગાંધીનગર જિલ્લાની દીકરીઓને સફળ તાલીમ આપી સ્વબચાવના દાવ પેચમાં પારંગત કરી નારિશક્તિનું એક શ્રેષ્ઠ ઉદાહરણ બન્યા છે.. 
માત્ર નવ વર્ષની ઉંમરે કરાટે શીખવાની શરૂઆત કરનાર કિલ્લોલબેન સાપરીયાની કારકિર્દીની વાત કરવામાં આવે તો તેમણે ૧૯૯૭ માં ઓ' સેનસાઈ શ્રી અરવિંદ રાણા પાસેથી બ્લેક બેલ્ટની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ એક વર્ષ અમદાવાદ ખાતે એન. આઇ. એસ. કોચ સૈયદ ઇકરામ અલી પાસેથી જુડોનું શિક્ષણ પણ મેળવ્યું. તેમની આ કારકિર્દી દરમિયાન તેમણે ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઈન્વીટેશન કરાટે ચેમ્પિયનશિપ ,  ઓલ ઇન્ડિયા ફુલ કોન્ટેક્ટ કરાટે ચેમ્પિયનશિપ,  નેશનલ કરાટે ચેમ્પિયનશિપ ફેડરેશન કપ,  , સેકન્ડ ઓલ ગુજરાત ઓપન ચેમ્પિયનશિપ , ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ ,ગાંધીનગર કાન ઝેન ગોજુ કરાટે ( કાતા) ચેમ્પિયનશિપ, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ કાન ઝેન કરાટે ચેમ્પિયનશિપ તથા ગુજરાત સ્ટેટ જુડો ચેમ્પિયનશિપમાં સફળતા મેળવી અનેક સિદ્ધિઓ મેળવી છે. 


"૧૯૮૬-૮૭માં હું જીમનાસ્ટીકમાં જોડાઈ અને જીમનાસ્ટીકની એક કોમ્પિટિશનમાં ભાગ લીધો, હું ત્યાં સમયસર પહોંચી ન શકી અને કોચે મને  ઠપકો આપ્યો. મને ખરાબ લાગ્યું અને મારી દિશા બદલાઈ. સ્પોર્ટ છોડી દેવાના બદલે વધુ ડિસિપ્લિન અને મજબૂત ઇરાદા સાથે હું માર્શલ આર્ટસમાં જોડાઈ.અને ૧૯૯૩-૯૪ ના વર્ષમાં બ્લેક બેલ્ટ થઈ " કિલ્લોલબેન સાપરીયાના શબ્દોમાં વર્ણવાયેલી આ નાનકડી વાતમાં તેમનો ઘણો બધો સંઘર્ષ પણ છુપાયેલો છે. ૧૯૮૬ ના સમયમાં એક છોકરી ઘર બહાર નીકળે અને આ રીતે જુડો કરાટે કરે, છોકરાઓ જેવા કપડાં પહેરે તે સામાન્ય ન હતું. પછી કિલ્લોલ બેનની ધગશ અને તેમનો દ્રઢ નિશ્ચય જોતા તેમના પરીવારે તેમનો પૂરો સાથ આપ્યો. પિતાનો સંપૂર્ણ સહયોગ મળવાથી કિલ્લોલબેન પહેલા કરતાં વધારે મજબૂત બની ગયા. હવે પોતે તો બ્લેકબેલ્ટ થઈ ગયા હતા. પરંતુ તેમણે જે કઠિન પરિસ્થિતિ માંથી પસાર થઈ સિધ્ધિ મેળવી હતી તે સ્થિતિ બીજી દિકરીઓ ન ભોગવે અને આ ક્ષેત્રમાં આગળ વધવા માંગતી દિકરીઓ સરળતાથી તાલિમ મેળવી શકે  એ માટે તેમને કંઈક કરવુ હતુ.પણ એ સમય એવો હતો કે  જુડો કરાટે નું નામ સાંભળતા જ દીકરીઓ પાછી પાની કરે તેમ છતાં તેમણે નિશ્ચય કર્યો કે તેઓ દીકરીઓને આત્મ રક્ષણ સાથે કારકિર્દી બનાવવાની પણ એક નવી દિશા આપશે. અને ૧૯૯૬થી આ નિશ્ચય પર અમલ શરૂ કર્યો. એ પછી તો ગાંધીનગરની ઘણી શાળાઓની દીકરીઓમાં  જુડો-કરાટે શિખવતા ‘કિલ્લોલ દીદી’ના હુલામણા નામથી જાણીતા બની ગયા.
 
સમય સાથે લોકોએ દીકરીઓને જુડો કરાટે શીખવાની જરૂરિયાતને સમજી અને એક સમય એવો આવ્યો જ્યારે આ આર્ટ શીખવા માટે લોકો ખુશીથી દીકરીઓને મૂકવા લાગ્યા. તેમના માટે કિલ્લોલ બેન આદર્શ બની ગયા. કિલ્લોલબેન પણ પૂરી નિષ્ઠાથી દીકરીઓને તૈયાર કરી રહ્યા હતા. કિલ્લોલ સાપરિયાએ ૧૯ વર્ષની નાની વયે શરૂ કરેલ આ  સફરના ૨૮ વર્ષ દરમિયાન તેમણે દોઢ લાખથી વધુ દીકરીઓને જુડો કરાટેમાં તૈયાર કરી છે, તેમના હાથ નીચે ઘણી દીકરીઓ બ્લેક બેલ્ટ મેળવી ચૂકી છે. 

આ કિલ્લોલ બેન હાલમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર ખાતે એકેડમી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને ગવર્મેન્ટ થકી આજે પણ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા રહી દીકરીઓ અને મહિલાઓ માટે એક આદર્શ બન્યા છે.
કિલ્લોલ બેન જણાવે છે કે "મારું લક્ષ્ય નિશ્ચિત હતું કે મારે શું કરવું! કઈ દિશામાં આગળ વધવું! એટલે જ હું એક સફળ કોચ સાથે સફળ મહિલા કર્મયોગી પણ બની શકી. તમે ગમે તે ક્ષેત્રમાં જોડાયેલા હોવ અને તમારું લક્ષ્ય જો સ્પષ્ટ હશે તો તમે ચોક્કસ શ્રેષ્ઠ કામગીરી કરી શકો છો અને સફળતા પણ મેળવી શકો છો" સફળતાની વાત સાથે જ કિલ્લોલબેન એમ પણ જણાવે છે કે, “સફળતા એવી હોવી જોઈએ જેના પરથી અન્ય લોકો પ્રેરણા મેળવી શકે.” 
મહિલા કર્મયોગી એવા કિલ્લોલબેન સાપરીયાની જેમ પોતાના ક્ષેત્રમાં ઝળહળતી કારકિર્દી બનાવવા સાથે અન્ય માટે પ્રેરણા રૂપ બનેલી દરેક મહિલાઓ સમ્માન પાત્ર છે
આલેખન:-
નેહા તલાવિયા
જિલ્લા માહિતી કચેરી ગાંધીનગર 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top