કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ કાર્યક્રમનાબીજા દિવસે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીર ખેરગામ તાલુકાના આછવણી, નીચલી બેજઝરી, પણંજ અને મોટી કોલવાડ પણંજ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી બાળકોને કુમકુમ તિલક કરી આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ નામાંકન કરાવ્યું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવે બાળકોના શૈક્ષણિક જીવનનું પ્રથમ પગથિયું છે. શિક્ષકો બાળકોને પાયાનું શિક્ષણ મજબૂત બનેતેવા પ્રયત્નો હાથ ધરવા ખાસ અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે આધુનિકતા અને તકનીકનો ઉપયોગ કરી શિક્ષણને સર્વશ્રેષ્ઠ બનાવવા કમર કસી છે.ગુણવત્તાલક્ષી શિક્ષણથી આજે બાળક સમાજના મુખ્ય પ્રવાહમાં આવ્યું છે. શાળા પ્રવેશોત્સવ થકી લોકોને શિક્ષણ સાથે જોડવાનું કામ કર્યું છે.
પ્રારંભમાં જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મહાનુભાવોએ બાળકોને દફતર કિટ, કંપાસ બોક્સ આપી નામાંકન કરાવ્યું હતું. કાર્યક્રમ બાદ શાળાના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના આરોગ્યની તપાસણી હાથ ધરી હતી. ખેરગામ તાલુકાની આછવણી પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ-૧માં કુલ ૧૯ બાળકો, નીચલી બેજઝરીમાં કુલ ૦૨ બાળકો, પણંજ અને મોટી કોલવાડ પણંજમાં કુલ ૫૬ બાળકોને કુમકુમ તિલક કરી મહાનુભાવોને હસ્તે નામાંકન કરવામાં આવ્યું હતું.