Gandhinagar : ‘બેટી બચાવો-બેટી પઢાવો’ યોજના અંતર્ગત સહાય મેળવી : સામે દેશ માટે ગોલ્ડ મેડલ જીતી નામ રોશન કર્યુ

0

    નારી વંદન ઉત્સવ: ૨૦૨૪

Gandhinagar : ‘બેટી બચાવો-બેટી પઢાવો’ યોજના અંતર્ગત સહાય મેળવી : સામે દેશ માટે ગોલ્ડ મેડલ જીતી નામ રોશન કર્યુ


વાસ્તવિક રીતે ‘બેટી બચાવો-બેટી પઢાવો’ના નારાને સાર્થક કરતી ગાંધીનગર જિલ્લાની દિકરી ચાર્મી ચૌહાણ

વિકટ પરિસ્થિતિઓ વચ્ચે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરની મદદથી ચાર્મીના  સપનાને મળી નવી ઉડાન 

ગાંધીનગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘બેટી બચાવો-બેટી પઢાવો’ દિવસની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની એક એવી દીકરીની વાત કરવી છે જે વિકટ પરિસ્થિતિમાં પણ ક્યારેય હારી નથી. મુશ્કેલીઓનો સામનો કરી બધીજ વિકટ પરિસ્થિતિને હરાવી આગળ વધતી રહી. આ બધી કપરી પરિસ્થિતિ વચ્ચે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરની મદદથી ચાર્મીના સપનાને નવી પાંખો મળી.

ગાંધીનગર જિલ્લાની ચાર્મી ચૌહાણ એટલે એવી હોનહાર દીકરી જેના માતા-પિતા અંગત કારણોસર અલગ થઈ જતા ભાંગી પડી હતી. પરંતુ આજે પોતાની માતાનો સહારો બનવા સાથે આ દીકરીએ ખુદની પણ નવી ઓળખ ઊભી કરી છે.

આ અંગે ચાર્મી જણાવે છે કે, સાત થી આઠ વર્ષ પહેલા માતા-પિતા અલગ થઈ ગયા અને કોર્ટ કેસ પણ ચાલુ હતો. ઉપરથી ધોરણ- ૧૦ની પરીક્ષા! આ બધા વચ્ચે તેનું સિલેક્શન ઇન્ટરનેશનલ થાઈ કીક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં થયું. પણ એ સમયે ઘરની પરિસ્થિતિ એવી હતી કે આર્થિક ખર્ચ પરવડે તેમ ન હતો. અને ચેમ્પિયનશિપમાં ભૂતાન જવા પૈસાની જરૂર પણ હતી. એવા સમયે  ગાંધીનગર જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ ખાતે પોતાની વ્યથા રજૂ કરી અને ‘બેટી બચાવો- બેટી પઢાવો’ અંતર્ગત જિલ્લા કચેરીએ ચાર્મીને આર્થિક સહાય કરી. વિકત પરિસ્થિતિનો સામનો કરીને ચાર્મીએ ઈતિહાસ રચ્યો... ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ગાંધીનગર પાછી ફરી. 

વાત બસ આટલેથી જ અટકી નહીં. ચાર્મીએ મનોમન નક્કી કર્યું કે મારે હવે છોકરીઓ માટે કંઈક તો કરવું જ છે. અને નાની ઉંમરે તેની મોટી સફર ચાલુ થઈ. મનમાં ગાંઠ વાળી મારે હવે મહિલાઓને મજબૂત બનાવવી છે. પછી તો શું હતું? આ સંકલ્પ સાથે ચાર્મી આજ સુધી ૭૦૦થી વધુ દીકરીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપી ચૂકી છે. સાથે જ તેના મમ્મીના જીવનનો આધાર બની છે અને બીસીએ ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. નાની વયે તેની આ અસામાન્ય સિદ્ધિને ધ્યાને લેતા ગત વર્ષે યોજાયેલા રાજ્યકક્ષાના 'તેજસ્વીની' કાર્યક્રમમાં મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં ચાર્મી ચૌહાણે ગાંધીનગરનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. 


ચાર્મી અન્ય દીકરીઓને પ્રેરણા આપતા કહે છે કે "તમે જેટલું વિચારો છો તેના કરતાં તમે વધારે જ સક્ષમ છો. એટલે સ્વયં પર વિશ્વાસ કરો અને ધ્યેયસિધ્ધિ માટે મચી પડો. તમને કોઈ નહીં હરાવી શકે.”

અને તેમના મમ્મી આશાબેન મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, "ખરેખર ચાર્મી હોનહારતો હતી જ પણ એનું હુન્નર ખોવાઈ ચૂક્યું હોત! જો સમયે  મહિલા અને બાળ વિભાગ દ્વારા સહાય ન મળી હોત.” રાજ્ય સરકારની સહાયના કારણે આવી કેટલીય દિકરીના સપના સાકાર થયા છે.

આલેખન:

નેહા તલાવિયા

જિલ્લા માહિતી કચેરી ગાંધીનગર

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top