શિક્ષણ સમાજમાં ધીમું, છતાં કાયમી પરિવર્તન લાવે.

0

 

શિક્ષણ સમાજમાં ધીમું, છતાં કાયમી પરિવર્તન લાવે.

પ્રકૃતિનો પ્રત્યેક પરિબળ એ પરિવર્તન માંગે છે. સમયની સાથે જરૂરી પરિવર્તનો થતા રહે એ ઇચ્છનીય છે. મનુષ્ય પ્રકૃતિની સાથે તાલમેલ જાળવીને જીવી શકે એ માટે શિક્ષણ અનિવાર્ય છે. 

શિક્ષણ પ્રાપ્ત કર્યા વગરનો માનવી પ્રાણી કરતા વિશેષ કશું નથી. દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ એ તેના વિચારોના પિંડનું પ્રતિબિંબ છે અને વ્યક્તિના વિચારોને યોગ્ય રીતે ગ્રંથીત કરવા માટે શિક્ષણ અનિવાર્ય છે. 

એવું કહેવાય છે કે વ્યક્તિ તેના અનુભવોમાંથી શીખે છે અને અનુભવ દ્વારા મેળવેલું શિક્ષણ કાયમી અને લાંબા ગાળાનું હોય છે, પરંતુ એ શક્ય નથી કે દરેક વ્યક્તિ પોતાના જીવનકાળમાં તમામ અનુભવો પ્રાપ્ત કરે અને તેના દ્વારા જ શિક્ષણ મેળવે, પોતાની અગાઉની પેઢી એ કરેલા અનુભવોનું ભાથું એટલે કે ગ્રંથોમાં સંગ્રહિત થયેલું જ્ઞાન અને એ જ્ઞાનને મેળવીને વ્યક્તિ પોતાના ખ્યાલોને બાંધે છે અને શિક્ષિત થાય છે. 

  જાત અનુભવ જેટલો જરૂરી છે, એટલું જ જરૂરી સદીઓથી સંગ્રહિત થયેલા જ્ઞાનને પોતાના ખ્યાલોમાં પ્રસ્થાપિત કરવાનું છે, એક અશિક્ષિત માણસને જયારે કોઈપણ પરિસ્થિતિમાં નિયંત્રિત કરવો હોય, સમજાવવો હોય, કાબૂમાં રાખવો હોય ત્યારે તેના માટે સખત કાયદાનો સહારો લેવો પડે છે અથવા તેનું મગજ જે પ્રકારની સંવેદના કે પ્રસંગોથી પરિવર્તિત થતું હોય તેવી વાતો દ્વારા તેના મગજમાં સારાસારનો વિવેક કે યોગ્યાયોગ્યતાનો ખ્યાલ પ્રસ્થાપિત કરવો પડે છે. 

  સદીઓથી ધર્મગુરુઓ દ્વારા, ઉપદેશકો દ્વારા, મહાનુભાવો દ્વારા, વિચારકો દ્વારા. રાજનેતાઓ દ્વારા, સામાજિક અગ્રણીઓ દ્વારા અને ધર્મગ્રંથો કે સંપ્રદાયના માધ્યમથી આ જ કામ કરવામાં આવે છે. હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી ગૌતમ બુદ્ધે કહેવું પડ્યું હતું કે ચોરી કરવી એ પાપ છે. એનો અર્થ એ થાય કે તે સમયમાં પણ માનવી બીજાની વસ્તુઓને પડાવી લેવા માટે પ્રયત્નશીલ રહેતો હતો. અને ચોરી કરવી એ અનૈતિક બાબત છે, 

અણહકનું છે અને એવું ન લેવાય એ બાબતને શિક્ષણ દ્વારા જન સામાન્ય સુધી ન પહોંચાડી શકવાને કારણે ધર્મનો આશરો લેવામાં આવતો. પાપ-પુણ્યના ખ્યાલો પ્રસ્થાપિત કરવામાં આવ્યા. સમુદાયમાં શિક્ષણનું પ્રમાણ જેટલું ઓછું, તેટલા વધારે પ્રમાણમાં આવા સહાયકારી અને અતાર્કિક ઉપાયો દ્વારા માનવ જાતને સુખી રાખવા માટેના પ્રયાસો કરવા પડે છે. 

શિક્ષણ અને અંધશ્રદ્ધા એ બે અંધકાર અને પ્રકાશ જેવી વિરોધી બાબતો છે. બન્નેનું સહઅસ્તિત્વ કદી હોઈ શકે નહીં. જેમ જેમ શિક્ષણનું પ્રમાણ સમાજમાં વધતું જશે, તેમ તેમ અંધશ્રદ્ધાનો પરપોટો ફૂટતો જવાનો. 

કોઈ ૨ખે માની લે કે શિક્ષણ અને શ્રદ્ધાને દુશ્મનાવટ છે. શ્રદ્ધા એ તો શિક્ષણની જનની છે, પરંતુ અંધશ્રદ્ધા એ પાયાવિહીન બાબત છે. અંધશ્રદ્ધાના અંધકારમાં દેખાતું દોરડું શિક્ષણના પ્રકાશમાં સર્પ તરીકે નિહાળીને વ્યક્તિ તેનાથી બચી શકે છે.

                આજે સમાજમાં અનેક બાબતો માટે આપણે ભ્રમણાઓ ભાંગવાની જરૂર છે, સ્વના કેન્દ્રમાં રાખીને જીવન જીવતા આજના માણસે સર્વને લક્ષમાં રાખીને પોતાની જીવનશૈલી કેળવવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે. 

આજે માનવી અંદરથી પરિવર્તન કેળવવાના બદલે બાહ્ય દેખાવ માટે પરિવર્તન દેખાડો કરી રહ્યો છે. આજે જેમની જન્મજયંતી ઉજવાઈ રહી છે, એવા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજી સ્વચ્છતાનો હિમાયતી હતા. 

આ ગુણને દરેક વ્યક્તિ જો કેળવે તો ભારતને ગંદોગોબરો દેશ કહેનારા પશ્ચિમના લોકોના મોં પર એક લપડાક પડી જાય પરંતુ આપણે એવું કરતા નથી. 

 આજે પણ ભારતના બહુમત લોકો એવું માને છે કે કચરો ગમે ત્યાં ફેકવોએ આપણો અધિકાર છે અને તેને સાફ કરવો એ સફાઈ કામદારો અને સરકારની જવાબદારી છે. આપણે કચરો ઉત્પન્ન થયા બાદ તેના નિકાલ માટેની વ્યવસ્થાને સમજી શક્યા જ નથી. 

સ્વચ્છતા અભિયાનો દેખાડાના ફોટોગ્રાફ પૂરતા સીમિત રહી ગયા છે. આમ કરવાથી આપણે અન્ય દેશોની સામે હાંસીને પાત્ર બન્યા છે. 

  જ્યાં સુધી સ્વચ્છતાનું શિક્ષણ અને પાયાની સંકલ્પના આપણી અંદર પ્રસ્થાપિત થઈને આપણા જનીનનો ભાગ ન બને, ત્યાં સુધી આવા અભિયાનો યુવક માત્ર કાગળ પરનો વાધ બની રહેશે. 

શિક્ષણની પ્રક્રિયા એ અતિ ધીમી પ્રક્રિયા છે અને તેની અસર પેઢીઓ પછી દેખાય છે. શિક્ષકો અને શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલા સૌએ શિક્ષણ ટેવમાં પરિણામે એક કથા સુધી લઈ જવાની જરૂર છે.

આજે બે સદી પહેલાંના ભારતની વાત કરીએ તો. અનેક સામાજિક કુરિવાજો દૂર થયા છે તથા અનેક દૂષણોનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું. છે અને નાશ થવાને આરે છે. આ શિક્ષણને કારણે શક્ય બન્યું છે 

જ્યારે ગામમાં એક શાળા ખૂલે છે, ત્યારે તે ગામના બાળકો અને સ્ત્રીઓ માટે નવપલ્લવિત સમાજના નિર્માણની આશાઓનો સૂરજ ઉગે છે. શિક્ષણને માત્ર વિવિધ વિષયોના જ્ઞાનની સાથે સાંકળવાને બદલે વ્યક્તિત્વ વિકાસ, વ્યક્તિ પરિવર્તન અને તેના દ્વારા સામાજિક પરિવર્તનના દ્વાર તરીકે જોવું જોઈએ. 

શિક્ષણની અંદર વ્યક્તિને ધરમૂળથી પરિવર્તિત કરવાની તાકાત રહેલી છે. શિક્ષણ દ્વારા જ એક અશ્વેત હબસી વિશ્વસત્તા અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ બની શકે છે. શિક્ષણ દ્વારા જ એક ધર્મચુસ્ત સમુદાયની દીકરી નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરી શકે છે. 

શિક્ષણ દ્વારા જ એક ગરીબ માછીમારનો દીકરો રાષ્ટ્રનો મહાનવિજ્ઞાની અને રાષ્ટ્રપતિ બની શકે છે. શિક્ષણ થકી જ એક દલિત પરિવારનો અનેક વિશ્વવિદ્યાલયોમાં પોતાના જ્ઞાનનો પ્રકાશ પાથરીને એક રાષ્ટ્રના બંધારણનું ઘડતર કરી શકે છે. શિક્ષણ એ વ્યક્તિને માનવમાંથી મહામાનવ બનાવી શકે છે.

શિક્ષણ એ વ્યક્તિને શિસ્તબદ્ધ બનાવવાની પ્રક્રિયા છે. લાદેલું શિસ્ત એ દબાયેલી સ્પ્રિંગ જેવું છે, જે દબાણ હળવું થતાં જ બમણા વેગથી ઉછળે છે. શિક્ષણ એ સ્વયં શિસ્ત પેદા કરવાનો કીમિયો છે. 

શિક્ષણ એ વ્યક્તિમાં વિવેક પેદા કરવાનો કાર્ય કરતું હોવું જોઈએ. અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી પણ જો વ્યક્તિ સારાસારનું ભાન ન રાખી શકતો હોય, નીરક્ષીર વિવેક ન કેળવી શકતો હોય તો એણે પ્રાપ્ત કરેલું શિક્ષણ અધૂરું છે, એમ કહેવું જોઈએ. 

જો માનવીના વિચારો બદલાય તો ચોક્કસ તેની વાણી બદલાવાની અને તેના વર્તનમાં પણ ફેર પડવાનો. વિચારબીજ એ સર્વ સૃષ્ટિનું ઉદભવસ્થાન છે. આવા વિચારબીજને ઘડવાનું અને તેને અંકુરિત કરવા માટે યોગ્ય વાતાવરણનું નિર્માણ કરવાનું કામ શિક્ષણનું છે..!!!

કી-પોઈન્ટ

જ્ઞાનથી ખતરનાક કોઈ હથિયાર નથી, તેને હંમેશા કુલ લોડ કરીને રાખો. (ખાન સર) 

સ્રોત : ગુજરાત ગાર્ડિયન (લેખક : અશ્વિન પટેલ )



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top