એક છોકરો પોતાની સ્કૂલના પ્રિન્સિપાલ પાસે જઈને કહેઃ
‘સર, આવતી કાલથી હવે હું સ્કૂલમાં આવવાનો નથી.’
પ્રિન્સિપાલ કહેઃ ‘કેમ, શું કામ?’
છોકરો કહેઃ ‘સર, હું તમને શું કહ્યું? ટીચર્સ અંદરોઅંદર
એકબીજાની કૂથલી કરે છે. વિદ્યાર્થીઓ વચ્ચે પણ મનમેળ નથી.
આવું તો બીજું ઘણું છે આ સ્કૂલમાં...’
પ્રિન્સિપાલ કહેઃ ‘સારું, જતાં જતાં એક કામ કરતો જા.
પાણીનો ગ્લાસ છલોછલ ભરીને સ્કૂલ ફરતે ત્રણ ચક્કર લગાવ.
ધ્યાન રહે, ગ્લાસમાંથી એક ટીપું પાણી ઢોળાવું જોઈએ નહીં.
આમ કર્યા પછી ખુશીથી સ્કૂલ છોડી ચાલ્યો જજે.’
પેલા છોકરાએ આ કામ પૂરું કર્યું. પ્રિન્સિપાલ પાસે રજા
લેવા આવ્યો ત્યારે પ્રિન્સિપાલ કહેઃ ‘જ્યારે તું સ્કૂલ ફરતે ચક્કર
લગાવતો હતો ત્યારે તેં કોઈ શિક્ષકને બીજા શિક્ષક વિશે ખરાબ
બોલતાં સાંભળ્યા?’
પેલો છોકરા કહેઃ ‘ના...’
પ્રિન્સિપાલ કહેઃ ‘કોઈ વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી વિશે
એલફેલ બોલતાં જોયો?’
છોકરો કહેઃ ‘ના...’
પ્રિન્સિપાલ કહેઃ ‘આમ કેમ બન્યું એ તારે જાણવું છે? તારું
સમગ્ર ધ્યાન એ સમયે ગ્લાસ પર હતું. એક પણ ટીપું છલકાય
નહીં એના પર તારું ધ્યાન કેન્દ્રિત હતું. આવું જ સ્કૂલ કે પછી
કોઈ પણ જગ્યાએ હોય છે. તમે તમારા કામમાં ઓતપ્રોત હો તો
પછી બીજાની ભૂલ જોવાનો તમારી પાસે સમય જ નથી હોતો.’
સારાંશ એ કે આપણે ખાસ કરીને આપણી પ્રાથમિકતાઓ
પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, નહીં કે અન્ય લોકોની ભૂલો
પર... પોતાની પ્રાથમિકતા પર કરેલું કામ જ જીવનમાં સુખ અને
સમૃદ્ધિ લાવતું હોય છે.
= રાજુ અંધારિયા